વલસાડના ધરમપુર ખાતે ભારતનું પ્રથમ સર્પ સંશોધન સંસ્થાન – સર્પદંશ પીડિતો માટે એક આશા
ભારતમાં દર વર્ષે હજારો લોકો સાપના ડંખનો શિકાર બને છે, જેનાથી અનેક લોકોના જીવ જાય છે અથવા કાયમી વિકલાંગતા થાય છે. આ સમસ્યાનો સામનો કરવા અને તેના નિવારણ માટે, ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં “સર્પ સંશોધન સંસ્થાન”ની સ્થાપના કરવામાં આવી છે. આ સંસ્થા, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ની માર્ગદર્શિકા મુજબ, દેશનું પહેલું અને અનોખું કેન્દ્ર છે, જે સર્પ સંવર્ધન, એન્ટી સ્નેક વેનમ અને સંશોધન માટે કાર્યરત છે.
સંસ્થાનની વિશિષ્ટતાઓ
આ સંસ્થાનમાં ભારતીય કોબ્રા, કોમન ક્રેટ, રસેલ્સ વાયપર અને સો-સ્કેલ્ડ વાયપર જેવા 300 થી વધુ ઝેરી સાપોનું સંવર્ધન કરવામાં આવે છે. અહીંથી નીકળતા ઝેરનો ઉપયોગ એન્ટી સ્નેક વેનમના ઉત્પાદન માટે થાય છે, જે સાપના ડંખના પીડિતો માટે જીવદાતા સાબિત થાય છે.
સાપના ડંખના પડકાર અને સંશોધનનું મહત્વ
એક અભ્યાસ અનુસાર, દર વર્ષે 54 લાખ લોકો વિશ્વભરમાં સાપના ડંખનો ભોગ બને છે, જેમાંથી 1.38 લાખ લોકોનું મૃત્યુ થાય છે. સાપના ડંખથી બચી ગયેલા લોકોને ક્યારેક લકવો, કિડની નિષ્ફળતા અને કાયમી વિકલાંગતાનો સામનો કરવો પડે છે. ભારતના ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં સાપના ડંખના કિસ્સા ખૂબ જ વધુ છે.
ધાર્મિક અને ભૌગોલિક કારણોસર ધરમપુરની પસંદગી
ધરમપુરની આસપાસ ગીચ જંગલો છે, જ્યાં ઝેરી અને બિનઝેરી સાપોની મોટી વસતી છે. અહીંના પર્યાવરણને ધ્યાનમાં રાખીને, આ વિસ્તારમાં સંશોધન અને એન્ટી વેનમ નિર્માણ માટે આઈડિયલ માહોલ છે.
મહત્વપૂર્ણ કાર્યક્ષમતા
સાંઈટિફિક એપ્રોચ: રેસ્ક્યુ કરાયેલા સાપોના સ્વાસ્થ્યનું પરીક્ષણ અને જરૂરી સારવાર.
મેડિકલ તાલીમ: 850 થી વધુ મેડિકલ ઓફિસરોને તાલીમ અને 290 થી વધુ સ્થાનિક સર્પ બચાવકર્તાઓની નિમણૂક.
વેનમ એક્સ્ટ્રક્શન: સાપમાંથી ઝેર કાઢી લાયોફિલાઈઝ કરીને એન્ટી સ્નેક વેનમ નિર્માણ માટે સપ્લાય.
ભવિષ્યની યોજના
સર્પ સંશોધન સંસ્થાન જિનોમિક સંશોધન અને આધુનિક વૈજ્ઞાનિક અભ્યાસો શરૂ કરીને, સાપના ઝેરની રાસાયણિક રચનાની વધુ ઉંડાણપૂર્વકની સમજણ મેળવી રહ્યું છે. જેનાથી ભવિષ્યમાં એન્ટી સ્નેક વેનમની ગુણવત્તામાં વધુ સુધારો થવાની આશા છે.
માનવતાના હિતમાં મહત્ત્વની પહેલ
સર્પ સંશોધન સંસ્થાન માત્ર સાપના ડંખથી બચાવ માટે જ નહીં, પણ જનજાગૃતિ ફેલાવવા, લોકલ સર્પ બચાવકર્તાઓને તાલીમ આપવી અને સંશોધન દ્વારા માનવતાના હિત માટે યોગદાન આપવું એ મુખ્ય ઉદ્દેશ્ય છે.
આ સંસ્થા, ધરમપુર અને સમગ્ર ગુજરાત માટે ગૌરવની વાત છે અને આવનારા વર્ષોમાં સાપના ડંખના કેસમાં નોંધપાત્ર ઘટાડો લાવશે.