‘બેટી બચાવો’ અભિયાન બેઅસર? દીકરીઓની સંખ્યામાં મોટો ઘટાડો

‘બેટી બચાવો’ અભિયાન બેઅસર? દીકરીઓની સંખ્યામાં મોટો ઘટાડો

નવી દિલ્હી તા. ૧૨ : ૨૦૦૧ની વસતી ગણતરી અનુસાર ગુજરાતમાં CSR (બાળ જાતિય રેશિયો) ૧૦૦૦ છોકરાઓ દીઠ ૮૮૬ છોકરીઓ હતો. આ એક ચિંતાજનક આંકડો હતો અને હજી પણ સ્થિતિ ચિંતાનજક જ છે.
૨૦૦૭ અને ૨૦૧૪ દરમિયાન SRB (Sex ratio at birth)નો આંકડો સુધર્યો હતો. ત્યારે ગુજરાતમાં ૧૦૦૦ છોકરાઓ દીઠ ૯૦૦ છોકરીઓ જન્મી હતી. પરંતુ ૨૦૧૧-૧૩ અને ૨૦૧૪-૧૬ દરમિયાન આ આંકડો અત્યંત ચિંતાજનક રીતે ૬૩ પોઈન્ટ્સ ઘટી ગયો હતો. દેશના કોઈ પણ રાજયમાં નોંધાયેલા ઘટાડામાં આ સૌથી મોટો ઘટાડો છે
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪-૧૬માં SRB ૮૪૮-૧૦૦૦ હતો, જે ૨૦૦૫-૦૭ પછી ગુજરાતમાં સૌથી ઓછો રેશિયો હતો. નીતિ આયોગના લેટેસ્ટ રિપોર્ટ ‘હેલ્ધી સ્ટેટ્સ, પ્રોગ્રેસિવ ઈન્ડિયા’માં પણ ભારતમાં જાતીય અસમાનતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં ચિંતાનજક રીતે આ અસમાનતા વધી રહી છે
રજિસ્ટર જનરલ એન્ડ સેન્સસ કમિશ્નર ઓફ ઈન્ડિયાની ઓફિસ દ્વારા રીલિઝ કરવામાં આવેલા ૨૦૧૬ના ડેટા અનુસાર ૨૦૧૧-૧૩માં એવરેજ SRB ૯૧૧ રેકોર્ડ હતો, જયારે ૨૦૧૪-૧૬માં તે ઘટીને ૮૪૮ થઈ ગયો હતો. અર્થાત, ૧૦૦૦ છોકરાઓ દીઠ માત્ર ૮૪૮ જ છોકરીઓ છે
ગુજરાત પછી બીજા ક્રમાંકે રાજસ્થાન આવે છે, જયાં આંકડો ૩૬ પોઈન્ટ નીચે આવ્યો છે. હરિયાણામાં ૩૨ પોઈન્ટ, દિલ્હીમાં ૩૦ અને હિમાચલ પ્રદેશમાં ૨૬ પોઈન્ટ. જો નેશનલ એવરેજની વાત કરવામાં આવે તો ૨૦૧૧-૧૩ અને ૨૦૧૪-૧૬ દરમિયાન ૧૧ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે. આંકડો પહેલા ૯૦૯ હતો જે ઘટીને ૮૯૮ થઈ ગયો.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, આમ તો SRS ડેટા વસતીગણતરીના ડેટા જેટલો સચોટ નથી હોતો, છતાં છોકરીઓની સંખ્યામાં જણાઈ રહેલો ઘટાડો ચિંતાજનક છે. સમાજશાસ્ત્રી ગૌરાંગ જાની કહે છે કે, આર્થિક અને સામાજિક પરિબળોને ધ્યાનમાં રાખીને હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ લોકો એક જ બાળક પ્લાન કરવાનું પસંદ કરે છે, અને ખાસકરીને જયારે પહેલું બાળક દીકરો હોય.
તેમણે આગળ જણાવ્યું કે, જાતિ પરીક્ષણ અને ભ્રૂણ હત્યા હજી પણ અટકી નથી. કાયદાનું કડક પાલન થાય તે જરૂરી છે. હરિયાણામાં આવા ૫૦થી વધારે ડોકટર્સને જેલની સજા થઈ છે, ગુજરાતમાં માત્ર કેસ ફાઈલ થાય છે, કોઈ ડોકટરને સજા નથી થઈ.

share...Share on FacebookShare on Google+Tweet about this on TwitterShare on LinkedInDigg thisPin on PinterestShare on RedditShare on StumbleUponShare on TumblrShare on VKEmail this to someonePrint this page

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *